You are currently browsing the category archive for the 'Uncategorized' category.
સાવ અચાનક બેઠાં બેઠા મનને સૂઝ્યું એવું…
આ ક્ષણને જકડી રાખું તો કેવુ?
જકડી રાખું શબ્દ અને એ વાત, વળી એ વાતનો તારો મર્મ…
જકડી રાખું શબ્દ કહેલા – મૌન રહેલા સર્વ…
જકડેલો એ અર્થ એ તો જાણે બરફને જક્ડયા જેવું…
આ ક્ષણને જકડી રાખું તો કેવું?
જકડી રાખું એ ક્ષણ જેમાં વરસે સ્મૃતિ મેહ…
જકડી રાખું વરસેલો-નહીં વરસેલો એ નેહ…
જકડેલો એ ભાવ તો જાણે રેતને જકડ્યા જેવું…
આ ક્ષણને જકડી રાખું તો કેવું?
જકડી રાખુ એ ક્ષણ જ્યાં હર શ્વાસે મહેકે તુ,
જકડી રાખું મ્હોરેલી-નહીં મ્હોરેલી એ લાગણીઓની બૂ
જકડેલી એ ફોરમ જાણે પવનને જકડ્યા જેવુ…
આ ક્ષણને જકડી રાખું તો કેવું?
- જીના-માનસી
here comes the valentine’s day and all the લબરમૂછિયા romeos are in full swing! પહેલાંના સમયમાં પ્રેમની અભિવ્યક્તિ કરવી એ પણ એક કલા હતી પણ આજના સમયમાં Gujreji કલ્ચરમાં પ્રેમી પોતાનો પ્રેમ કેવી રીતે express (!!! અભિવ્યક્ત નહીં) કરે તેની એક ઝલકઃ
આજે તો finally પૂછી જ નાખું કે will you be mine?
શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?
તારા loveમાં હું તો રહું છું always on cloud nine
શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?
તારા માટે ધરતી પર લઈ આવીશ હું moonની shine
શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?
તારા પ્રેમનો નશો છે એવો નશીલો, જાણે કે old wine
શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?
છે મારું gentleman’s promise કે રાખીશ તને ફિટ & fine
શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?
જ્યાં સુધી તું સાંભળીશ નહીં મારી urge, Repeat કરતો રહીશ આ જ line
શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?
જીના-માનસી
રાતદિવસ બસ ચાલે એમ જ શ્વાસોની ઘટમાળ
અને એક દિ’ સઘળું ચીરતો આવી પહોંચશે કાળ
ટક ટક કરતાં કાંટાને પણ હરાવવાની હોડ,
ચાવી ભરતાં જાણે ક્યારે બંધ પડશે ઘડિયાળ
સંબંધોના તાણાંવાણાં છો વીંટાયા ચારેકોર,
ખેંચાશે બસ એક જ દોર…ને ચીરાશે આ જાળ
ક્ષણે ક્ષણે ઉજવી લઈએ આ હોવાપણાંનો ઉત્સવ
એ પહેલાં કે અસ્તિત્વ સાથ છોડી દે..અંતરિયાળ
જીના-માનસી
After a loooooooooooong time…here comes something again!
મારા અસ્તિત્વના અણુએ અણુમાં તું વ્યાપ્ત છે,
અને મારા અસ્તિત્વથી જ તું અજ્ઞાત છે!
મારી પ્રત્યેક મનસામાં ઝળકે ફક્ત તું જ,
છતાં, તું મને સ્મરે બસ એટલું જ પર્યાપ્ત છે.
મારી દુઆઓમાં હું ઈચ્છું તારી ખુશીઓ,
અને તારું પ્રત્યેક સ્મિત એ દુઆઓની કબૂલાત છે!
મારી ઉર્મિઓની સામે તારી લાગણીની કોઈ માગણી નથી,
અરે આ તો પ્રેમ છે…અને એમાં ક્યાં કોઈ વસૂલાત છે!
જીના-માનસી
1) આપણે મળ્યાની એ ક્ષણ યાદ છે,
તમારા સ્મિતે કરેલું કામણ યાદ છે,
બસ એક ક્ષણ…ને રચાયું તું તારામૈત્રક,
એ વિરલ ઘટનાની પ્રત્યેક પળ યાદ છે.
હવે આજ મુક્તક એક અલગ અંદાજમાં,
આપણે મળ્યાની એ ક્ષણ યાદ છે,
મને તારું ગર્વિલ વલણ યાદ છે,
બસ એક થઈ ચૂક ને ખૂંપી ગયા અમે,
તારી ભૂરી આંખોનું કળણ યાદ છે.
2) કોઈની પ્રતીક્ષા એટલી વહાલી લાગે છે,
કે સહરાની બળતી લૂ પણ ચાંદની લાગે છે,
પ્રેમનું દર્દ પણ છે કેટલું મીઠું,
કે કાંટાળી સેજ પણ ફૂલોની પથારી લાગે છે.
જીના-માનસી
In the moments of sunshine
or the gloomy dark nights,
I will be there with you
…come what may
I will share your happiness
I will feel your loneliness
You are there in my heart…never away
….come what may
Your presense make me blossom
Only you make me wholesome
I want this feeling …forever to stay
…come what may
Jina-Mansi
પ્રેમને ખાતર પ્રેમ કર્યોં એ પ્રેમ ખરો કે ખોટો
સબંધ નામે વહેમનો આમ જ ફૂટી ગયો પરપોટો….
સિંચ્યા કર્યો રાત દિવસ આ સબંધોનો વેલો
તો ય આવ્યો ફળને નામે આઘાત જ મસમોટો
બેઉ કાંઠે છલકાતાં’તાં ઉર્મિઓના ઘોડાપૂર
તો ય જાણે લાગણીઓનો પડી ગયો કેમ તોટો
સપનાંઓના રંગભરેલાં મેઘધનુષી કાગળ ઉપર
કાળના હાથે પડી ગયો છે કાળો એક લિસોટો
1.
રચાતો જોયો
હથેળીની રેખામાં
તારો ચહેરો
2.
પાંપણે બેઠી
ઝાકળ જેવી તૃષા
છલકી પડી
3.
કોરું લલાટ
હથેળી લોહીઝાણ
કિસ્મત છે ક્યાં
ઘણાં વખતથી એક એવો કાવ્ય પ્રકાર હતો જે અમને ખૂબ fascinate કરતો હતો. તો આજે વિચાર્યું કે થોડામાં ઘણું કહી જવાની કળા આજે અજમાવી જ લઈએ. તો પ્રસ્તુત છે હાઈકુ પરત્વે અમારો પ્રથમ પ્રયાસ….તમને કેવો લાગ્યો ચોક્કસ કહેજો.
1. મળી મુજને
શબ્દપ્રસવ પીડા
આઠે પ્રહર
2. ઝાકળ છે કે
પરસેવો પુષ્પનો
શરમ તણો
જીના-માનસી
હાશ!! પત્યાં સાસ બહુના ઉજાગરા
જ્યાં થાતા’તા સંબંધોના ધજાગરા
ઘરમાં ઘરમાં વિવાદ, લે ‘વેમ્પો’ ના વાદ,
કરે શું બિચારા કંથ કહ્યાગરા?
કોઈ કળયુગમાં ચાર ચાર પેઢી જીવી જાય,
એ વિચારતા ઘસાઈ ગયા મગજના મિજાગરા!!!
તુલસી જેવી સાડી ને ગંગા જેવા ઘરેણાં,
…………………………………………….
(સાસ-બહુ વિશે તો તમે પણ ઘણું બધુ વિચારતા હશો…તો આ અધૂરી ગઝલને આગળ ધપાવજો ને સાસ બહુના અંતને વધાવજો..)
જીના-માનસી
ગુજરાતી સાહિત્ય વિશ્વના એક માનવંતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરી સાહેબ આપણી વચ્ચેથી વિદાય પામ્યા…’ગુજરાતી સાહિત્ય વિશ્વને એક ન પૂરાય એવી ખોટ પડી છે’ આ શબ્દો શ્રી મન્સૂરી સાહેબની વિદાય સામે કેટલાં વામણા લાગે છે…
ક્યાંક વાંચ્યુ કે એમના જવાથી નદીની રેતમાં રમતું આખું નગર શોકમગ્ન થઈ ગયું છે…એમના દુનિયા છોડી જવા પર શોકમગ્ન થતું આ નગર ત્યારે ક્યા હતું જ્યારે તેઓ આ નગર છોડીને ગયા હતાં? શું ત્યારે તેને ’shock’ નહોતો લાગ્યો કે આજે તેને ‘શોક’ લાગી રહ્યો છે?????
જીના-માનસી
મેં જ્યારે અક્ષત ભરેલા કળશને ઠેસ મારી…
મેં જ્યારે કંકુવાળાં પગલાં આ ઘરમાં પાડ્યા…
મેં જ્યારે કોડી-કરડાના દાવ જીત્યા…
મેં જ્યારે મીંઢળની ગાંઠો છોડી…
ત્યારે બસ એક જ અપશુકન થયેલું…
અમારા પૂર્વગ્રહો અમને આડા ઉતર્યા…
જીના-માનસી
“આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી!”
હવે તો એ ગામ પણ નથી રહ્યા અને એ સુંવાળી પણ નથી રહી…અને સુંવાળી ખાય એવા છોકરાઓ પણ નથી રહ્યા. (અરે, આજના છોકરાઓને સુંવાળીનો અર્થ પણ ખબર હશે કે નહીં તે કોને ખબર!) અત્યારે તો સુંવાળીનું સ્થાન લીધું છે ‘celebrations’ ના ચમકતા ચોકલેટ બોક્સીસે! એક સમય હતો જ્યારે દિવાળીની તૈયારી મહિના પહેલાં શરૂ થઈ જતી. સાથે મળીને સૌ ઘર સાફ કરતાં, ઘૂઘરા, મઠિયા, ચોળાફળી બનાવતા…એ વખતે togetherness ના એ આનંદ સામે આ બધા કામ કરવાનો થાક ક્યારેય ન’ તો વર્તાતો. અને આજે ઘડિયાળના કાંટે દોડતા જીવન પાસે સાથે બેસવાનો ય સમય નથી! એમાં આ બધાનો તો ક્યારે વારો આવે?
મીઠાઈના સ્થાને ચોકલેટ્સ, રંગોળીના સ્થાને સ્ટીકર્સ, દીવડાંના સ્થાને ઝગમગતી લાઈટ્સની સિરીઝ અને સૌથી વધારે તો, આંખોમાં આવકારના અમીને સ્થાને ચહેરા પર સિન્થેટીક સ્મિત…અને પછી લોકો ફરિયાદો કરે છે કે તહેવારોમાં પહેલાં જેવો charm નથી રહ્યો….
જૂની પેઢીને હમેશા નવી પેઢી સામે અનેક ફરિયાદો રહેલી હોય છે કે અમારી વખતે તો આમ હતું, અમે આમ કરતાં’તા…ત્યારે નવી પેઢી હંમેશા એને જનરેશન ગેપમાં ખપાવી દઈને આંખ આડા કાન કરતી હોય છે. પણ જે રીતે તહેવારો ઉમંગ-ઉલ્લાસ-પરંપરાના ઓચ્છવને બદલે show-off celebration ના પ્રતીક બની ગયા છે તે જોતાં જૂની પેઢીની ફરિયાદો પણ કંઈક અંશે સાચી છે એવું નથી લાગતું?
જીના-માનસી
એ જ બીબાઢાળ જીવન…આપણી આસપાસ એજ જાણીતાં ચહેરા અને એજ એકધારી જીંદગી. Life નો એક તબક્કો હોય છે જ્યારે આપણને આ routine થઈ ગયેલી life સામે બહુ ફરિયાદો હોય છે. બીજાનું જોઈને હંમેશા એમ થતું હોય છે કે આ મારી પાસે કેમ નથી. મારી લાઈફ કેમ આટલી eventful નથી? પણ જેમ જેમ સમય જતો જાય છે તેમ જીંદગી સામેનો આ વિરોધ પણ શમતો જાય છે અને ફરિયાદો પણ ઓછી થતી જાય છે. પણ ઘણીવાર એમ વિચાર આવે કે ખરેખર yeh dil chahta hai kya? Do we really want change in life?
કયારેક કોઈ ઘટનાથી, કોઈ વ્યક્તિના જવાથી જે ખળભળાટ સર્જાય અચાનક ત્યારે પાછું મન એ જ રૂટીનીયત ઝંખે છે કે કાશ…life પહેલાં જેવી થઈ જાય તો. ભલે ખબર હોય કે કશું શાશ્વત નથી, છતાંય મન એ change ને ખબર નહીં કેમ જલ્દી સ્વીકારતું નથી. એ જ ઘટનાની, કે એજ વ્યક્તિની અને એજ લાઈફની એટલી આદત પડી જાય છે કે મન સ્વયં એ પાશમાંથી છૂટવા નથી માંગતું.
routine થી detach થઈને ખરેખર જીવી શકાય?
જીના-માનસી
ફરી એક એડ! એડવર્ટાઈઝિંગ ફિલ્ડમાં છીએ એટલે કદાચ આ અમારા જીવનમાં હવે વણાઈ ગયું છે. એટલે ફરી ફરીને આ જ સબ્જેક્ટ પર આવી જઈએ છીએ.
એક જાણીતી એપરલ બ્રાન્ડ માટે આ એડ બનાવી હતી. થીમ હતી ઈન્ડિપેન્ડન્સ ડે – સ્વતંત્રતા દિવસ. સ્વતંત્રતા દિવસની વાત હતી, પ્રોડક્ટ વસ્ત્રો સાથે સંબંધિત હતી તો થયું ચરખાથી વધુ સારુ શું હોઈ શકે?
તો અમારા વિચાર વિશે આપનું શું કહેવું છે?
જીના-માનસી
એક છોકરી જઈને આયના સામે ઉભી, અને આયનાએ પૂછ્યું…તું કોણ?
રોજ રોજ મારામાં ડોકિયું જે કરતી, એ છોકરીને લઈ ગયું છે કોણ?
પાંચીકા રમતી ‘ને ઢીંગલી પરણાવતી,
મમ્મીની સાડીનો તંબુ બનાવતી
પળમાં ઉભરાતી ને પળમાં રિસાતી એ છોકરીને લઈ ગયું છે કોણ?
હવે તો તું મારી સામે જોઈ શરમાતી,
પૂછવા જો જાઉં તો મીઠું મલકાતી,
સાચું કહું તો તું નથી ઓળખાતી…બોલ હવે તો બોલ,
તને લઈ ગયું છે કોણ?
જીના-માનસી
9/11…
7/11…
7/23…
7/26…
9/13…
એક મહિનો…એક તારીખ…એક સમય….એક ક્ષણ…એક ધડાકો… અને એ ધડાકા પછીની સ્મશાનવત્ શાંતિ. કારણકે એ ધડાકાથી ફક્ત એક જીવન નથી સમાપ્ત થતું પરંતુ તેની સાથે જોડાયેલ કંઈ કેટલાય જીવનમાં એક સ્મશાનવત્ સૂનકાર વ્યાપી જાય છે.
પણ ધન્ય છે માણસના ખમીરને, ખુમારીને, જીવનને જીવવાની અદમ્ય ઝંખનાને કે એ અટકતો નથી…આવી મરણતોલ થપાટો સહ્યા પછી પણ એ જીવનને એજ ઉત્કટતાથી, એ જ ઉત્સાહથી માણે છે. કારણકે કદાચ એ જ સનાતન સત્ય છે કે જીવન વહેવાનું નામ છે…the show must go on!
અને કદાચ સમગ્ર માનવજાતની આતંકવાદને એક લપડાક છે.
તો આવો મજલિસમાં મનાવીએ માનવતાનો મહોત્સવ! જીંદગીને ખુમારીથી જીવી જાણતા અને જીવનના પડકારોને લડી જાણતા કંઈ કેટલાય લોકો તમારી આસપાસ પણ હશે જ. અમને અને મજલિસના વાચકોને તેમના વિશે જાણવું ગમશે…
જીના-માનસી
મજલિસ - કલાપારખુઓનું સાયુજ્ય…that’s how we defie our blog! By the way we are Jina & Mansi…advertising professionals.
આ બ્લોગ થકી અમારો પ્રયાસ છે કલારસિકો અને કલાપારખુઓનું એક એવું સાયુજ્ય રચવાનું કે જેમાં તેઓ મુક્તપણે પોતાની કલાની તેમજ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે.
અહીં કલા એટલે કોઈ નિશ્ચિત ક્ષેત્રની આવડત માત્ર નહીં…અહીં કલા એટલે તમારા વ્યક્તિત્વમાં રહેલી કોઈ પણ એવી લાક્ષણિકતા કે જે તમને અન્યોથી અલગ તારવી શકે… પછી ભલે એ તમારા વિચાર જ કેમ ન હોય…!
કંઈક અલગ, કંઈક મૌલિક, કંઈક વિશેષ અને કંઈક ખાસ મળીને રચશે એક એવી ‘મજલિસ’ કે જેમાં ‘વાહ – વાહ’ કહેનારા કદરદાનો ભલે ન હોય પણ likeminded લોકોનું એક એવું વિશ્વ હશે કે જેમાં અભિવ્યક્તિનો આનંદ જ કંઈક અનેરો હશે…!
તો આવો સાથે મળીને માણીએ આ મજલિસને…આપની કવિતા હોય કે ગઝલ, પેઈન્ટીંગ્સ હોય કે શિલ્પકૃતિ, લેખ હોય કે માત્ર એક વિચાર… અમને પ્રતીક્ષા રહેશે આપના વિચારોની, આપની કલાકૃતિઓની, આપના પ્રતિભાવોની… હંમેશા….
જીના - માનસી


