સાવ અચાનક બેઠાં બેઠા મનને સૂઝ્યું એવું…
આ ક્ષણને જકડી રાખું તો કેવુ?
જકડી રાખું શબ્દ અને એ વાત, વળી એ વાતનો તારો મર્મ…
જકડી રાખું શબ્દ કહેલા – મૌન રહેલા સર્વ…
જકડેલો એ અર્થ એ તો જાણે બરફને જક્ડયા જેવું…
આ ક્ષણને જકડી રાખું તો કેવું?
જકડી રાખું એ ક્ષણ જેમાં વરસે સ્મૃતિ મેહ…
જકડી રાખું વરસેલો-નહીં વરસેલો એ નેહ…
જકડેલો એ ભાવ તો જાણે રેતને જકડ્યા જેવું…
આ ક્ષણને જકડી રાખું તો કેવું?
જકડી રાખુ એ ક્ષણ જ્યાં હર શ્વાસે મહેકે તુ,
જકડી રાખું મ્હોરેલી-નહીં મ્હોરેલી એ લાગણીઓની બૂ
જકડેલી એ ફોરમ જાણે પવનને જકડ્યા જેવુ…
આ ક્ષણને જકડી રાખું તો કેવું?
- જીના-માનસી

1 comment
Comments feed for this article
April 8, 2009 at 11:17 am
કુણાલ
જકડી રાખું શબ્દ કહેલા – મૌન રહેલા સર્વ…
જકડેલો એ અર્થ એ તો જાણે બરફને જક્ડયા જેવું…
જકડેલી એ ફોરમ જાણે પવનને જકડ્યા જેવુ…
સુંદર શબ્દો…
ક્ષણેક્ષણ જન્મતી અનેક અદ્ભૂત ઘટનાઓ એવી યાદગાર અને અમુક વખત વિસ્મયકારી હોય છે કે એમ થાય કે જાણે એને કેદ કરીને ફ્રેમમાં જડીને મૂકી રાખીએ …
કોઇએ કહેલા શબ્દો, અને ખુબ જ ગહનતાથી કહેલું મૌન, અને એ બંનેનો અર્થ !! મજાનું …
ઘણી વાર એ બંને એટલાં ઠંડા હોય કે સાચે જ બરફને જકડ્યા જેવું લાગે …